અમદાવાદ મેટ્રોમાં પાનની પિચકારી મારી તો થવું પડશે જેલભેગા!
તંત્ર દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી છેકે, જો કોઈ વ્યક્તિ હવે અમદાવાદ મેટ્રોના કોચમાં પાન કે મસાલો ખાઈને થૂંકશે કે પાનની પિચકારી મારીને સરકારી પ્રોપર્ટીને ગંદી કરશે નુકસાન પહોંચાડશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા કરાયેલી જોગવાઈ મુજબ મેટ્રોમાં પાનની પિચકારી મારનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની પાસેથી રૂપિયા 5 હજાર સુધીનો દંડ વસુલવામાં આવશે. એટલું જ નહીં જેલભેગા થવાનો પણ વારો આવશે. મેટ્રો રેલના કોચને નુકસાન કરનારા સામે પણ કડક કાર્યવાહી થશે.
અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બંને કોરિડોર પર મેટ્રો શરૂ થયાના એક મહિનો પુ્ર્ણ થઇ ગયો છે. ધીરે ધીરે મેટ્રોમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. ત્યારે નિયમો પણ કડક કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત જો તમે કોચની અંદર કચરો ફેંકતા, થૂંકતા અથવા ફર્નિચરને નુકસાન પહોંચાડતા અથવા સેફ્ટી બટન સાથે હલચલ કરતા પકડાઈ જાવ, તો 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકાય છે.