For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

અમૂલ-ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સુકાની માટે આજે ચૂંટણી યોજાશે

11:58 AM Jan 24, 2023 IST | eagle
અમૂલ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સુકાની માટે આજે ચૂંટણી યોજાશે

ધી ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે અમૂલ-ફેડરેશનના સુકાની માટે ૨૪મી જાન્યુઆરીને મંગળવારના રોજ ચૂંટણી થશે. જોકે, અમૂલ-ફેડરેશનમાં ચેરમેન અને વાઇસ ચેરમેનપદ માટે ઇલેકશનને બદલે સિલેક્શનની પરંપરા ચાલતી આવે છે. જેથી આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનપદ કોની પસંદગી કરવામાં આવે છે અને એમાં પુનરાવર્તન કે પરિવર્તન થાય છે તેને લઇને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતાનો માહોલ જામેલો છે. ૨૦૨૦માં ૨૩મી જુલાઇના રોજ થયેલી ચૂંટણીમાં ચેરમેનપદે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેનપદે કચ્છની સરહદ ડેરીના ચેરમેન વાલમજી હુંબલની પસંદગી કરવામાં આવી હતી. તેઓનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ૨૪મી જાન્યુઆરી એટલે કે, આજે ચૂંટણી યોજાનાર છે. અમૂલ-ફેડરેશનમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઇલેકશનના બદલ સિલેક્શનની ચાલી આવતી પરંપરા અનુસાર આ વખતે સુકાનીઓ માટે કોની પસંદગી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

અમૂલ-ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ફેડરેશનના સભ્ય સંઘો એવા ગુજરાતના ૧૮ ડેરી સંઘોના ચેરમેન, GCMMFના મેનેજિંગ ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મત આપવામાં આવે છે. જેમાં ડેરી સંઘોના દૂધના ધંધાના આધારે મત નક્કી થયેલા હોય છે. જોકે, ફેડરેશનની સ્થાપનાથી લઇને અત્યાર સુધી ક્યારેય ચૂંટણીમાં મતદાનની આવશ્યકતા ઉભી થઇ નથી. કારણ કે, મતદાર એવા બોર્ડના સદસ્યો દ્વારા સર્વાનુમતે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવે છે. સહકારી ધોરણે દૂધ ઉત્પાદક મંડળીઓ શરૂ કર્યા બાદ દૂધ અને દૂધ ઉત્પાદનોના માર્કેટિંગ માટે વર્ષ ૧૯૭૩માં ડો.કુરિયન દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.ની સ્થાપના કરવામાં આવી હતી. GCMMFમાં  સ્થાપનાથી લઇને વર્ષ ૨૦૦૬ સુધી ચેરમેન તરીકે ડો.કુરિયને ફરજ બજાવી હતી. વર્ષ ૨૦૦૬માં ડો.કુરિયને આપેલા રાજીનામા બાદ GCMMFના ચેરમેન તરીકે બનાસ ડેરીના ચેરમેન પરથીભાઇ ભટોળની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.

Advertisement