For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

અમે ચુંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા નીકળ્યા છેઃ શ્રી નરેન્દ્ર મોદી

11:41 PM Jun 11, 2022 IST | eagle
અમે ચુંટણી જીતવા નહીં  લોકોનું ભલું કરવા નીકળ્યા છેઃ શ્રી નરેન્દ્ર મોદી

નવસારીના ખુડવેલ ખાતે 3050 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારને વહેલી સવારે સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર થકી પહોંચ્યા હતા. આશરે પાંચ લાખ જેટલી વિશાળ જનમેદનીને સંબોધન કરતાં તેઓએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ડબલ એન્જીન સરકારનો ઉલ્લેખ કરતાં રાજ્યના છેવાડાના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, અમે ચુંટણી જીતવા માટે વિકાસ કાર્યો નથી કરતાં. છેવાડાના નાગરિકોની ચિંતા અમારા સંસ્કારમાં છે. આ દરમ્યાન તેઓએ ટિપ્પણી કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, અમે ચુંટણી જીતવા માટે નહીં પરંતુ નાગરિકોનું ભલું કરવા માટેનીકળ્યા છે. ચુંટણી તો લોકો જીતાડે છે. લોકોના આર્શીવાદ થકી જ ભાજપને સેવાનો સતત અવસર મળી રહ્યો છે.  જાહેર સભાને સંબોધન કરતાં તેઓએ પોતાની જૂની યાદો વાગોળતા તેમણે કહ્યુ કે, લાંબા સમય બાદ ચીખલી આવ્યો છું. જૂની યાદો તાજી થઈ છે. એ દિવસે મારી પાસે અહી આવવા કોઈ સાધન ન હતું. બસમાંથી ઉતરીને ખભે થેલો લટકાવીને આવતો હતો. અહી અનેક વર્ષો રહ્યો, પણ મને ક્યારેય ભૂખ્યા રહેવાની નોબત નથી આવી. તમારા આર્શીવાદ એ મારી શક્તિ છે. આદિવાસી બહેનો વચ્ચે કામ કરવાના અવસર મળ્યા. તેના કરતા વધુ તેમની પાસેથી હુ શીખ્યો. સુઘળતા, સ્વચ્છતા, અનુશાસન…અહી આદિવાસીઓ એક લાઈનમાં એકબીજાની પાછળ ચાલતા હોય છે. આ તેમની જીવન રચના છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગૌરવ સભા સંબોધતા જણાવ્યું હતું કે, અહીંના લોકોનુ જીવન પાણીદાર બનાવવું છે. આપણા બાપ-દાદાએ પાણી વગર મુસીબતમાં જીવન પસાર કર્યુ છે. હવે મારે નવી પેઢીને આવી રીતે જીવવા નથી દેવા. તેમની જિંદગી સુખેથી નીકળવી જોઈએ. ઉમરગામથી આગળમાં આદિવાસી, ઓબીસી સમાજ રહે. અહી પણ તેજસ્વી બાળકો પેદા થતા હોય છે. ત્યા એક પણ વિજ્ઞાનની શાળા ન હતી. આજે આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન શાળાથી મેં શરૂ કરેલુ કામ મેડિકલ કોલેજો સુધી પહોંચ્યુ છે. પ્રગતિ કરવી હોય તો જંગલમાં પણ જવુ પડ્યુ છે. લાખો લોકોનુ જીવન બદલવાનો અમારો નેમ છે. ડાંગ જિલ્લાએ કુદરતી ખેતી માટે જે બીડુ ઉપાડ્યું છે તેના માટે અભિનંદન આપુ છું. આદિવાસી-પછાત-હળપતિના દીકરાએ હવે ડોક્ટર થવુ હોય તો, હવે અંગ્રેજી ભણવાની જરૂર નથી. હવે અમે માતૃભાષામાં તેમને ડોક્ટર બનાવીએ છીએ. અબ્દુલ કલામે પણ આદિવાસીઓના વાડી પ્રોજેક્ટના ભરપેટ વખાણ કર્યા હતા. વિકાસ સર્વસ્પર્શી હોય એ દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. આજનુ દ્રશ્ય જ તમારી માટે કામ કરવાની તાકાત આપે છે. આ તાકાતથી ગુજરાત અને હિન્દુસ્તાનને આગળ લઈ જવાનું છે. સી.એમ. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે સરકારે આપ્યું છે, દર વર્ષે અંદાજે 16 લાખ આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રિક પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બેંક ખાતામાં આપવામાં આવે છે. ઇન્વેન્ટરી યોજનામાં 2000થી વધુ પ્રાથમિક શાળાના 18 જેટલા ક્લાસરૂમ પ્રોજેક્ટ છે અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે અને તેને મુશ્કેલી ન પડે એ પણ સુનિશ્ચિત કર્યું છે. વડાપ્રધાન ગુજરાત ગૌરવ ઉદ્યાનમાં આપનું માર્ગદર્શન કરવા પધાર્યા છે ત્યારે ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં વધુ ઊંચાઈએ લઈ જવા આપણે તેમને ખાતરી આપીએ છીએ. ડાંગ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે, એમાંથી પ્રેરણા લઇ સમગ્ર રાજ્યના લોકોનો વિશ્વાસ અને ધરતીમાતાની ગુણવત્તા સુધારવા અન્ય વિસ્તારો પણ આ પ્રાકૃતિક ખેતી અપનાવે એવો સંકલ્પ આપણે કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે શિક્ષણ સ્વાસ્થ્ય અને સુખાકારીનાં કામોના વિકાસ ગુજરાતની આત્મનિર્ભર અને નવી દિશા આપણને આપશે. ખુડવેલ ખાતે સીઆર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનને દરેક વ્યક્તિની ચિંતા કરી છે. કોરોનાકાળમાં એકપણ વ્યક્તિ ભૂખે સૂતી નથી. વડાપ્રધાને દરેકને મફતમાં કોરોના વેક્સિન આપી છે. વડાપ્રધાને જનતાને ઘણી યોજનાઓ લોકોને આપી છે.

ચીખલી ખાતે ત્રણ હજાર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ – શિલાન્યાસ અને ઉદ્ગાટન સમારોહમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વાર પોતાની આગવી છટાથી કોંગ્રેસ પાર્ટીનું નામ લીધા વિના ચાબખા માર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ભુતકાળમાં આ જ વિસ્તારના એક આદિવાસી મુખ્યમંત્રી હતા પરંતુ તેમના પોતાના જ ગામમાં પાણીની ટાંકી ન્હોતી. તેઓ પોતાના ગામમાં હેન્ડ પંપ લગાવે તો એ પણ 12 મહિનામાં સુકાઈ જતા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પોતે તેમના ગામમાં ટાંકી બનાવી હોવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે, એક તબક્કે કોઈ મુખ્યમંત્રી પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરે તો રાજ્યકક્ષાના સમાચાર બનતા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ત્રણ હજાર કરોડના વિકાસ કામો શરૂ કરવાનો મને ગર્વ છે. માત્ર શહેરો જ નહીં રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના ગામો અને નાગરિકોને મુળભુત જરૂરિયાતો અને સુવિધાઓ પુરી પાડવા માટે કટિબદ્ધ છે અને એટલે એન્જીનિયરિંગની દુનિયામાં ચમત્કાર સમાન એસ્ટ્રોલ યોજના થકી 200 માળ સુધી પાણી ચઢાવીને છેવાડાના ગામોમાં પાણીના દુકાળને ભુતકાળ બનાવવામાં સફળતા સાંપડી છે.

વિકાસ કાર્યો અને ચુંટણીના સંબંધનો છેદ ઉડાવતાં મોદી

ગુજરાત ગૌરવ અભિયાન દરમ્યાન ઉપસ્થિત લાખ્ખોની જનમેદનીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સાથે ચુંટણીને કોઈ લેવા – દેવા નથી. તેઓએ જણાવ્યું હતું કે, ચુંટણી આવે એટલે કામ થાય તેવું ભુતકાળમાં થતું હશે. વર્તમાન સરકારનો સત્તા થકી સેવાનો સંકલ્પ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આ યોજનાઓના શિલાન્યાસ માટે 2018માં હું અહિંયા આવ્યો હતો ત્યારે કેટલાક લોકો કહેતા હતા કે લોકસભાની ચુંટણી છે એટલટે આંબા – આંબલી દેખાડી રહ્યા છે પરંતુ આજે તેઓ ખોટા સાબિત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પરથી વિરોધીઓને ટકોર કરી હતી કે છેલ્લા 22 વર્ષના શાસન દરમ્યાન એક અઠવાડિયું એવું નહીં મળે જ્યારે વિકાસનું કોઈ નવું કામ ન થયું હોય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે યોજનાઓના શિલાન્યાસ કરવામાં આવે છે તેના જ ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવાનું ગૌરવ મને મળ્યું છે તે માટે સરકારની કટિબદ્ધતા વધુ એક વાર પુરવાર થઈ રહી છે.

વડાપ્રધાનનો સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ

ચીખલીના ખુડવેલ ગામે જાહેર સભામાં મોડા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે વધુ એક વખત સરકારી યોજનાના લાભાર્થી આદિવાસી ભાઈ – બહેનો સાથે સીધો સંવાદ કરવાનો અવસર મળ્યો છે. સરકારી યોજનાઓ થકી તેમના જીવનમાં આવેલા પરિર્વતન અને ઉત્થાનની વાતો સાંભળીને જ વિકાસ કાર્યોને આગળ વધારવા માટેની ઉર્જા મળતી હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.
આ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં પણ સૌના સાથ – સૌનો વિકાસની કટિબદ્ધતા સાથે ડબલ એન્જીનની સરકાર આગળ વધી રહી છે. ગરીબો માટે 100 ટકા સશક્તિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેના થકી છેવાડાનો એક પણ નાગરિક સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દિશામાં સરકાર ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં આના હકારાત્મક પરિણામો પણ જોવા મળશે.

Advertisement