આજે રાજકોટમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની તમામ દુકાનો બંધ...
રાજકોટ: શહેરમાં ખાણીપીણીના શોખીન લોકો માટે આજનો દિવસ માઠા સમાચાર લઈને આવ્યો છે. આજે શહેરના રેસ્ટોરન્ટો તેમજ અન્ય ખાણીપીણીની દુકાનો બંધ રહેશે. ખાણીપીણીના ધંધાર્થીઓ એક દિવસ માટે બંધ પાડીને રાજકોટ મહાનગરપાલિકા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કરશે.રાજકોટ શહેરમાં આજે શહેરની 1000 કરતા પણ વધું રેસ્ટોરન્ટ બંધ રહેશે. આ ઉપરાંત અન્ય ખાણીપીણીની દુકાનો પણ બંધ રહેશે. ખાણીપીણીના ધંધાર્થીઓના એસોસિએશન દ્વારા 10 જુલાઈએ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જ્યારે આજે વહેલી સવારથી જ તમામ રેસ્ટોરેન્ટો તેમજ ખાણીપીણીની દુકાનો બંધ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં બનેલા ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમની પણ પાસે ફાયર એનઓસી ન હોય તેવા એકમોને સીલ કરાયા હતા.ત્યારે રાજકોટ શહેરમાં અનેક રેસ્ટોરન્ટો પણ સીલ થયા છે ત્યારે ફાયર વિભાગની આ કામગીરી સામે ખાણીપીણીના ધંધાર્થીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરાઈ હતી. આ ધંધાર્થીઓનો આક્ષેપ છે કે, આજે સીલીંગની કામગીરી કરવામાં આવી રહી છે તે આડેધડ કરાય છે. યોગ્ય સમય પણ આપવામાં નથી આવતો. જેથી તેમને ધંધો કરવામાં પણ ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે. ત્યારે આજે તમામ ધંધાર્થીઓએ બંધ પાડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.