For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ....

11:57 AM Aug 24, 2023 IST | eagle
આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે ત્યારે આનંદ અને ગૌરવની વાત એ છે કે ૫.૫ કરોડ ગુજરાતી બોલનારા લોકો સાથે ગુજરાતી ભાષા ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા બની છે. ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા તથા એના સંવર્ધન માટે ગુજરાત સરકાર એનું જતન કરી રહી છે.ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ નર્મદ લાભશંકર દવે ઉર્ફે નર્મદની યાદમાં તેમના જન્મદિન ૨૪ ઑગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી ભાષા માત્ર ગુજરાતની જ સત્તાવાર ભાષા છે એવું નથી, પરંતુ ગુજરાતી ભાષા ગુજરાત ઉપરાંત કેન્દ્રશાસિત દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રદેશની પણ સત્તાવાર ભાષા છે. વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૫.૫ કરોડ ગુજરાતી બોલનારા લોકો સાથે ગુજરાતી ભાષા ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે.ગુજરાતમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર આયામ હાથ ધરીને ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે પ્રયાસ થઈ રહ્યા છે. ગુજરાત સરકારે ગુજરાતી ભાષા પ્રચાર યોજના જેવી પહેલ દ્વારા ગુજરાતી ભાષા અને એના વારસાને સક્રિયપણે આગળ વધારવાનું કાર્ય કર્યું છે. આ પહેલનો હેતુ ગુજરાતી ભાષાના વર્ગો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યિક કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભાષાશિક્ષણને સમૃદ્ધ બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર કર્યું હતું. એ મુજબ ગુજરાતની તમામ શાળાઓમાં ૧થી ૮ ધોરણ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનું નક્કી કરાયું હતું.

Advertisement