For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

આર્થિક તંગીને પગલે પાકિસ્તાનની સરકારી એરલાઈન બંધ થશે!

01:10 PM Sep 22, 2023 IST | eagle
આર્થિક તંગીને પગલે પાકિસ્તાનની સરકારી એરલાઈન બંધ થશે

ગંભીર આર્થિક કટોકટીરનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારી એરલાઈન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) બંધ થવાના આરે છે. પીઆઈએના એક ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે જો તેમને તરત જ ફંડ આપવામાં નહીં આવે તો 15મી સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવાની ફરજ પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે PIA પહેલાથી જ 23ને બદલે માત્ર 16 એરક્રાફ્ટ ચલાવી રહી છે. આમાંની મોટાભાગની ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી હતી. પીઆઈએના પાઈલટ અને ગ્રાઉન્ડ સ્ટાફને છેલ્લા ઘણા મહિનાઓથી પગાર મળ્યો નથી. એટલું જ નહીં, અત્યાર સુધી કંપની લોન લઈને ઈંધણ અને સ્પેરપાર્ટ્સની વ્યવસ્થા કરતી હતી, પરંતુ હવે તે પણ મળી શકે તેમ નથી.

એક ન્યુઝ એજન્સીએ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના વરિષ્ઠ નિર્દેશકને ટાંકીને જણાવ્યું હતું કે એરક્રાફ્ટ ઉત્પાદક બોઈંગ અને એરબસે પણ ચૂકવણી ન કરવાના કારણે પીઆઈએને સ્પેરપાર્ટ્સની સપ્લાય સ્થગિત કરી દીધી છે. મર્યાદિત ફ્લાઇટ ઓપરેશનને કારણે રાષ્ટ્રીય એરલાઇનને દરરોજ લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. અધિકારીએ એ પણ ખુલાસો કર્યો હતો કે PIAના એક વિમાનને દમ્મામ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય ચારને ઇંધણની ચૂકવણી ન કરવા માટે દુબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે PIA તરફથી લેખિત ખાતરી પર વિમાનોને જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) એ $3.5 મિલિયનના ઇમરજન્સી પેમેન્ટ પછી PIAની સેવાઓ પુનઃસ્થાપિત કરાઈ હતી. અધિકારીએ ચેતવણી આપી હતી કે જો રૂ. 23 બિલિયન ઈમરજન્સી ફંડ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરી શકાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વિમાન કંપનીએ પાકિસ્તાન સરકારને તાત્કાલિક ભંડોળ પૂરું પાડવા વિનંતી કરી છે. વધુમાં, સૂત્રોએ જણાવ્યું હતું કે PIA કર્મચારીઓને તેમનો પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી.

Advertisement