For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

એર ઇન્ડિયાના પાઇલટ્સ હવે 65 વર્ષ સુધી ઉડાન ભરી શકશે

01:22 PM Aug 02, 2022 IST | eagle
એર ઇન્ડિયાના પાઇલટ્સ હવે 65 વર્ષ સુધી ઉડાન ભરી શકશે

એર ઇન્ડિયાએ પાઇલટ્સને ૬૫ વર્ષની વય સુધી ફરજ બજાવવાની મંજૂરી આપી છે. ટાટા જૂથની એરલાઇન એર ઇન્ડિયા આગામી સમયમાં ૨૦૦થી વધુ વિમાન ખરીદવાનું વિચારી રહી છે. તેને ધ્યાનમાં રાખીને પાઇલટ્સની વય વધારવાનો નિર્ણય લેવાયો છે. એરલાઇનના ૨૯ જુલાઇના રેકોર્ડમાં જણાવ્યા અનુસાર “ડીજીસીએ પાઇલટ્સને ૬૫ વર્ષની વય સુધી ઉડાન ભરવાની મંજૂરી આપે છે. જ્યારે એર ઇન્ડિયામાં નિવૃત્તિ વય ૫૮ વર્ષ છે. ઉડ્ડયન ક્ષેત્રમાં મોટા ભાગની એરલાઇન્સ ૬૫ વર્ષ સુધી પાઇલટ્સને ફરજ બજાવવાની છૂટ આપે છે.” સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયા આગામી સમયમાં ૨૦૦થી વધુ વિમાન ખરીદવાની યોજના ધરાવે છે ત્યારે ભવિષ્યના વિસ્તરણને ધ્યાનમાં  રાખીને સ્ટાફની જરૂરિયાતને પહોંચી વળવાનો પડકાર છે. એરલાઇન અનુસાર “આ જરૂરિયાતને પગલે અમે એર ઇન્ડિયાના તાલીમ પામેલા પાઇલટ્સને નિવૃત્તિ પછી પણ વધુ પાંચ વર્ષ ૬૫ વર્ષની વય સુધી કોન્ટ્રાક્ટ ધોરણે ચાલુ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.” આગામી બે વર્ષમાં નિવૃત્ત થનારા પાઇલટ્સને યોગ્યતા ચકાસવા સંબધિત સમિતિનું ગઠન કરાશે. સમિતિ શિસ્ત, ફ્લાઇટ સુરક્ષા અને સતર્કતા અંગેના અગાઉના રેકોર્ડની સમીક્ષા કર્યા પછી પાઇલટ્સને ચાલુ રાખવા અંગે નિર્ણય લેશે.

Advertisement