For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગાંધીનગરમાં શિક્ષક સાથે તેમના જ સમાજના દંપતીએ કરી લાખોની છેતરપિંડી

12:14 PM Dec 22, 2023 IST | eagle
ગાંધીનગરમાં શિક્ષક સાથે તેમના જ સમાજના દંપતીએ કરી લાખોની છેતરપિંડી

વિદેશ જવાની ઘેલછામાં લોકો ઘણી વખત નકલી અને લેભાગુ એજન્ટોની જાળમાં સપડાઈ જતાં હોય છે અને પોતાના લાખો રૂપિયા ગુમાવી દેતાં હોય છે. મૂળ પ્રાંતિજના અને ખેડામાં શિક્ષક તરીકે નોકરી કરતાં પરેશ પટેલ આવા જ લેભાગુ એજન્ટોનો ભોગ બન્યા છે. તેમને તેના જ સમાજના એક દંપતિ અને તેમના મિત્રની ત્રિપુટીએ કેનેડાના વિઝા અપાવવાના બહાને છેતર્યા છે.ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા એટલી બધી છે કે તેમાં ઘણા લોકો છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે. કેનેડા કે અમેરિકાના વિઝાના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આવી જ એક ઘટનામાં ખેડામાં નોકરી કરતાં એક શિક્ષક સાથે કેનેડાના વિઝા અપાવવાના બહાને 40 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ શિક્ષક સાથે તેમના જ સમાજના ત્રણ લોકોએ ઠગાઈ કરી છે જેની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને શિક્ષક સાથે ઠગાઈ કરનારા એજન્ટ દંપતી પૈકીના પતિ અંકિત પટેલની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે, આ કેસમાં એક મળતિયો વિદેશ ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે.
ગાંધીનગરના મોટા ચીલોડાની જનકપુરી સોસાયટીમાં ભાડે રહેતા અને મૂળ પ્રાંતિજના વતની પરેશ પટેલ ખેડાના ધર્માના મુવાડા ખાતેની પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પરેશભાઈ પોતાની પત્ની અને દીકરા સહિત કેનેડા સેટલ થવા ઈચ્છતા હોવાથી તેઓ તેના વિઝા માટે પ્રયાસો કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ લવારપુર ગામમાં રહેતા તેમના જ સમાજના અંકિત પટેલ અને તેની પત્ની ગૌરી પટેલ તથા તેના મિત્ર વિશાલ પટેલના સંપર્કમાં આવ્યા હતા. પરેશભાઈને જાણવા મળ્યું કે આ ત્રિપુટી કુડાસણ ખાતે ઉમિયા ઓવરસીસ નામથી વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે.તેમણે બાદમાં તપાસ કરી તો તેમને જણાવા મળ્યું હતું કે આ ઠગ દંપતીએ વિઝા અપાવવાના બહાને સમાજના ઘણા લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા પરેશભાઈએ ગાંધીનગરમાં ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ઠગ દંપતી અંકિત અને અનેરી પટેલ તથા તેમના સાથીદાર અંકિત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, અંકિત પટેલ અમેરિકા પહોંચી ગયો છે. તેથી પોલીસે ઠંગ દંપતીમાંથી પતિ અંકિત પટેલની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement