ગુડાએ ગેરકાયદે બાંધકામ તોડવાની નોટિસ આપી...
આલમપુરમાં આવેલી રાજધાની રેસીડેન્સીના બિલ્ડર દ્વાર એનઓસી વિનાના પ્લોટ ગ્રાહકોને વેચવામાં આવ્યા હતા. મકાન ખરીદતા સમયે બિલ્ડરે એનઓસીની પ્રક્રિયા ચાલુ હોવાનુ કહીને ગુડામાંથી આવી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. લાખો રુપિયા આપીને પ્લાટ ખરીદ્યા પછી મકાન બનાવી દેવામાં આવ્યા હતા અને બાદમાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે તેવી ગુડામાંથી નોટીસ મળતા રહીશો ફફડી ગયા હતા. જેને લઇ બિલ્ડર સામે કાર્યવાહી કરવા અરજી કરતા છેતરપિંડીનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ શિવપ્રસાદ શિતલપ્રસાદ જયસ્વાલ (રહે, રાજધાની રેસીડેન્સી, મૂળ સાદીપુર, યુપી) આલમપુરમાં પૂનમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રાજધાની રેસીડેન્સી રો હાઉસ નામની સ્કીમ મુકવામાં આવી હતી. આલમપુર ગામમાં રહેતા બિલ્ડર નિકુંજજી ગાભાજી સોલંકીએ 57 મકાનની સ્કીમ મુકતા ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવી રહ્યા હતા. જેમાં વર્ષ 2019માં મેં મકાન નંબર 14એ 24 લાખમાં ખરીદ્યુ હતુ. તે સમયે બિલ્ડર પાસે એનએ, એનઓસી બાબતે વાતચીત કરતા કાર્યવાહી ચાલુ હોવાનુ કહ્યુ હતુ.
જેથી પહેલા 9 લાખ અને બાદમાં ટૂકડે ટૂકડે 14 લાખ રુપિયા આપ્યા પછી મકાનનો દસ્તાવેજ બિલ્ડર પાસેથી કરાવ્યો હતો. જેમાં 10 લાખ ચેકથી આપ્યા હોવાની નોંધ કરી હતી. મકાનની નોંધ ગ્રામપંચાયતની આકારણીમાં, લાઇટબીલમાં કરાવી લીધી હતી. પરંતુ ગત 22 જૂન 22ના રોજ ગુડાની એક નોટીસ મળી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, રાજધાની સોસાયટીના મકાનો ગેરકાયદેસર છે અને ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જેની જાણ બિલ્ડરને કરતા ફરીથી એનઓસી લાવી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ આજસુધી વિશ્વાસ ફળીભૂત થયો નથી.