For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 56.56 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર...

12:30 PM Apr 10, 2023 IST | eagle
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 56 56 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર

ગેરરીતિ અને પેપરલીકને નાથવા માટે ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોની બેઠક વ્યવસ્થા 150થી 200 કિમી દુર રાખવામાં આવતા પરીક્ષામાં 37400માંથી 21154 ગેરહાજર અને 16246 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેને પરિણામે પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી 56.56 ટકા અને હાજર ઉમેદવારની ટકાવારી 43.44 ટકા રહી હતી.

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા રવિવારે યોજવામાં આવી હતી. અગાઉ પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપરલીક થઇ જતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. આથી આવી સમસ્યાનું પુનરાવર્તન થાય નહી તે માટે પરીક્ષાર્થીઓના બેઠક વ્યવસ્થા અન્ય જિલ્લામાં ગોઠવવામાં આવી હતી. આથી અંદાજે 150થી 200 કિમી દુરથી પરીક્ષાર્થીઓ જવાનું થતું હોવાથી તેની સીધી અસર પરીક્ષામાં ઉમેદવારોની ગેરહાજરી વધુ જોવા મળી હતી.

જેને પરિણામે જિલ્લાના 121 પરીક્ષા કેન્દ્રોના 1247 બ્લોકમાં 37400 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ પરીક્ષામાં હાજર 16246 એટલે કે 43.44 ટકા જ ઉમેદવારો હાજર અને ગેરહાજર 21154 એટલે કે 56.56 ટકા ઉમેદવારો રહ્યા હતા. જોકે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને જિલ્લાતંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની હાલાકી પડે નહી તેની સંપુર્ણ તકેદારી રાખવામાં આવી હતી.ઉપરાંત ગેરરીતિને નાથવા માટે પરીક્ષાખંડ, પરીક્ષા કેન્દ્રની લોબી તથા પેસેજ, સ્ટાફરૂમ, પરીક્ષા કેન્દ્રના નિયામક રૂમ સહિતમાં સીસી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. ઉપરાંત ઉમેદવારોને પરીક્ષાકેન્દ્રમાં 12-10 કલાક સુધી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વધુમાં અમુક ઉમેદવારો પરીક્ષાની હોલટિકિટની ઝેરોક્ષ નકલ લઇને આવ્યા હતા. આવા ઉમેદવારોને ઓનલાઇન ખરાઇ કરીને પરીક્ષામાં બેસવા દીધા હતા.

Advertisement