દેશમાં 15-18 વર્ષના 2 કરોડથી વધુ કિશોરોને અપાયા રસીના બંને ડોઝ
શમાં કોરોના રસીકરણ ઝડપથી આગળ વધી રહી છે. દેશમાં 15-18 વર્ષની વયના બે કરોડથી વધુ કિશોરોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 15 વર્ષથી 18 વર્ષની વયજૂથના કિશોરો રસીકરણ અભિયાનમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે.15થી 18 વર્ષની વયજૂથના કિશોરોની રસીકરણ માટેની નોંધણી પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. શરૂઆતમાં આ વય જૂથના 12 લાખથી વધુ કિશોરોએ રસીકરણ માટે નોંધણી કરાવી હતી. કોવિન પોર્ટલ પર રસીકરણ માટેની નોંધણી હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત આ વયજૂથના લોકો પણ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈને સીધું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેમને પણ તાત્કાલિક રસીકરણ કરવામાં આવશે.
આ સિવાય બૂસ્ટર ડોઝ પણ ગયા મહિને શરૂ કરવામાં આવ્યો હતો. કોરોનાના ત્રીજી લહેર દરમિયાન રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાત અનુભવાઈ હતી. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,920 કેસ નોંધાયા હતા અને 492 લોકોના મોત થયા હતા. જ્યારે 66,254 લોકોને રજા આપવામાં આવી હતી. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 2,92,092 છે. ઉપરાંત પોઝિટિવિટી રેટ ઘટીને 2.07% પર આવી ગયો છે.