For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ધરણાં ઉપર બેઠેલા વધુ એક માજી સૈનિકની તબીયત લથડી

11:04 AM Sep 16, 2022 IST | eagle
ધરણાં ઉપર બેઠેલા વધુ એક માજી સૈનિકની તબીયત લથડી

છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોએ ૧૪ માંગણીઓના મુદ્દે આંદોલન શરૃ કર્યું છે અને સચિવાલયના ગેટ નં. ૧ સામે મોરચો માંડયો છે ત્યારે આજે બપોરે આંદોલન કરી રહેલા વધુ એક પૂર્વ સૈનિકની તબીયત લથડતા તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે આ સત્યાગ્રહ છાવણી ઉપર માહોલ વધુ ગરમાયો હતો.

રાજ્યના માજી સૈનિકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને બે દિવસ પહેલા ગાંધીનગરમાં પ્રવેશ્યા હતા જો કે, આલમપુર પાસે આ સૈનિકોને પોલીસે અટકાવી દેતા ઘર્ષણ થયું હતું અને આંદોલનમાં રહેલા એક માજી સૈનિકનું અવસાન થતા મામલો ગંભીર બન્યો હતો. જેના પગલે પોલીસે અને તંત્રએ ના છુટકે માજી સૈનિકોને ગાંધીનગરમાં પ્રવેશવાની મંજુરી આપવી પડી હતી. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ નહીં સ્વિકારવા બાબતે પરિવારજનો અને પૂર્વ સૈનિકો વચ્ચે રકઝક પણ ચાલી હતી અને અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો ત્યારબાદ આ માજી સૈનિકો સિવિલ હોસ્પિટલથી સચિવાલયના ગેટ નં.૧ પાસે પહોંચ્યા હતા અને ત્યાં આંદોલન શરૃ કર્યું છે. સચિવાલય સામે ઉભી કરવામાં આવેલી સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરમાંતી પૂર્વ સૈનિકો જોડાઇ રહ્યા છે ત્યારે આજે બપોરના સમયે વિજયનગરના ખોખરાના વતની ૬૦ વર્ષિય પૂર્વ સૈનિક મગનભાઇ ડોડીયારની તબીયત લથડતા તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સૈનિકોએ કોઇ પણ સંજોગોમાં માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ સ્થળ નહીં છોડવાની ચિમકી ઉચ્ચારી છે જેને લઇને હાલ તો ગાંધીનગર પોલીસ અને તંત્રના શ્વાસ અધ્ધર થઇ ગયા છે.

Advertisement