નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તહેનાત મહિલા કમાન્ડોની તસવીર વાઇરલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ની મહિલા કમાન્ડો ચાલી રહી હોય એવી તસવીર હાલમાં વાઇરલ થઈ રહી છે; પણ સૂત્રોએ જણાવ્યું હતું કે આ કંઈ પહેલી વાર નથી, વડા પ્રધાનની સુરક્ષામાં મહિલા SPG કમાન્ડો પહેલેથી જ તહેનાત છે. ૨૦૧૫ બાદ વડા પ્રધાનની ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT)માં મહિલા SPG કમાન્ડોને તહેનાત કરવામાં આવી છે. SPGમાં કુલ ૧૦૦ મહિલા કમાન્ડો છે અને તેમને વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. આ મુદ્દે મળતી જાણકારી મુજબ મહિલા SPG કમાન્ડોને શરૂઆતમાં ઍડ્વાન્સ ડિપ્લૉયમેન્ટ માટે તહેનાત કરવામાં આવતી હતી. હાલમાં જે તસવીર વાઇરલ થઈ છે એ સંસદભવનની અંદરની છે અને સંસદભવનની અંદર મહિલા SPG કમાન્ડોને તહેનાત કરવામાં આવી છે. આ મહિલા SPG કમાન્ડો સંસદભવનમાં પહેલેથી જ વડા પ્રધાનની સુરક્ષાને લઈને આવતા-જતા દરેક પર નજર રાખે છે અને વડા પ્રધાનને મળવા આવતી કોઈ પણ મહિલા ગેસ્ટનું ગેટ પર ફ્રિસ્કિંગ કરે છે. તેઓ એની સાથે વડા પ્રધાનની ઑફિસ સુધી પહોંચે છે. એટલું જ નહીં, વડા પ્રધાન જ્યારે વિદેશપ્રવાસ પર જાય છે ત્યારે મહિલા કમાન્ડોને પણ તેમની સાથે મોકલવામાં આવે છે. ત્યાં તેઓ ઍડ્વાન્સ સિક્યૉરિટી લાયેઝન માટે કામ કરે છે. તેઓ સુરક્ષાને લઈને તમામ બાબતોનું ધ્યાન પણ રાખે છે.