મંકીપોક્સ વાયરસને લઈને ભારતે શરૂ કરી તૈયારીઓ...
કોરોનાવાયરસ થી હજુ માંડ દુનિયા બહાર આવી હોય તેવું લાગ્યું ત્યા સાંભળવા મળ્યું કે, એક નવો મંકીપોક્સ વાયરસ સામે આવ્યો છે. જેની ગંભીર અસર ભારતમાં જોવા ન મળે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, ભારતમાં મંકીપોક્સ ને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત દેશમાં ટેસ્ટિંગ કિટ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન એ MPox ની તપાસ માટે ત્રણ સ્વદેશી ટેસ્ટિંગ કીટના ઉત્પાદનને મંજૂરી આપી છે. આ ટેસ્ટિંગ કિટ્સ સિમેન્સ હેલ્થકેર, ટ્રાન્સએશિયા ડાયગ્નોસ્ટિક્સ અને JITM C જીન દ્વારા વિકસાવવામાં આવી રહી છે.આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ RT-PCR કિટ વાયરસની તપાસ માટે પોક્સ રેશમાંથી પ્રવાહીના નમૂનાઓનો ઉપયોગ કરે છે. તેમણે માહિતી આપી કે, આ કિટ્સ ICMR દ્વારા માન્ય કરવામાં આવી હતી. જોકે, કિટનું કોઈ કોમર્શિયલ ઉત્પાદન થશે નહીં કારણ કે તેની કોઈ જરૂર નથી. આ ત્રણ માન્ય ટેસ્ટિંગ કિટ એ 6 પૈકીની છે જેને ICMR દ્વારા વાયરલ ચેપની તપાસ માટે મંજૂરી આપવામાં આવી છે. 2022માં ભારતમાં MPox ના પ્રથમ કેસ નોંધાયા બાદ ICMR એ કંપનીઓને ડાયગ્નોસ્ટિક્સ અને રસી વિકસાવવા હાંકલ કરી હતી. WHO દ્વારા MPOX ને વૈશ્વિક કટોકટી તરીકે જાહેર કરવાની જાહેરાત કર્યા પછી ટેસ્ટિંગ કિટની મંજૂરીની આ પ્રક્રિયા શરૂ થઈ છે. અગાઉ પણ જુલાઈ 2022 અને મે 2023 વચ્ચે, MPOX કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. ત્યારે પણ તેને વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી હતી. ભારતમાં 2022 થી MPox ના 30 કેસ નોંધાયા છે. તેમાંથી સૌથી વધુ માર્ચ 2024માં છે.