મધ્ય પ્રદેશમાં એફઆઇઆર દાખલ થતાં શ્વેતાએ માફી માગી
શ્વેતા તિવારીએ આપેલા વાંધાજનક નિવેદન બાદ મધ્ય પ્રદેશમાં તેની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવતાં તેણે હવે માફી માગી લીધી છે. તેણે ભોપાલમાં એક ઇવેન્ટ દરમ્યાન ભગવાનને લઈને વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેનું કહેવું છે કે ભગવાન શબ્દ તેણે પોતાના કલીગ સૌરભ રાજ જૈનને ઉદ્દેશીને કહ્યો હતો. તેણે અગાઉ ટીવી પર ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. સ્થિતિ વણસતાં તેણે માફી માગી લીધી છે. શ્વેતાએ કહ્યું કે ‘મને જાણ થઈ છે કે મારા કલીગના પાછલા રોલને ધ્યાનમાં રાખીને મેં જે નિવેદન આપ્યું છે એને ખોટી રીતે સમજવામાં આવી રહ્યું છે.
મારા એ નિવેદનને જ્યારે સમજવામાં આવે તો કોઈ પણ એ સમજી શકે છે કે ‘ભગવાન’ના રેફરન્સમાં આપવામાં આવેલું વક્તવ્ય સૌરભ રાજ જૈને ભજવેલા ભગવાનના રોલને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું હતું. લોકો પાત્રોનાં નામોને ઍક્ટર્સ સાથે જોડે છે. એથી મેં મીડિયામાં વાતચીત દરમ્યાન એને ઉદાહરણ રૂપે રજૂ કર્યું હતું. આમ છતાં એને ખૂબ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. હું પોતે ભગવાનમાં ખૂબ આસ્થા ધરાવું છું. એથી એવો પ્રશ્ન જ નિર્માણ નથી થતો કે હું જાણી જોઈને એવાં કોઈ કાર્યો કરું કે જેના કારણે લોકોની લાગણીને ઠેસ પહોંચે. એથી મને જાણવામાં આવ્યું છે કે મારા એ સંદર્ભને કારણે અજાણતાં લોકોની લાગણી દુભાઈ છે. કોઈની ભાવનાને મારા શબ્દો કે પછી કામ દ્વારા દુઃખ પહોંચાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો. એથી હું વિનમ્રતાથી માફી માગું છું કે મારા નિવેદને અજાણતાં લોકોને ઠેસ પહોંચાડી છે.’