વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રધાનમંત્રીના હસ્તે પ્રસ્થાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કેપિટલ રેલવે સ્ટેશનેથી લીલીઝંડી આપી હતી. ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે, જેમાં ગાંધીનગરથી બપોરે 2:05 કલાકે જ્યારે મુંબઈથી સવારે 6:10 કલાકે ઉપડશે. ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 520 કિલોમીટરનું અંતર જતાં સમયે 6:30 કલાક, આવતા સમયે 6:20 કલાકમાં પૂરું કરશે.100 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતાં લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની મુસાફરી દરમિયાન વડાપ્રધાન પહેલાં વંદે ભારત ટ્રેન માટે કામ કરનારા રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરીને માહિતી મેળવી હતી. ટ્રેનના પ્રારંભ સમયે 15 જેટલી વિમેન આંત્રપ્રિન્યોર્સને પણ વડાપ્રધાન સાથે ટ્રેનની મુસાફરીની તક અપાઈ હતી. વડાપ્રધાને વિમેન આંત્રપ્રિન્યોર્સ સાથે પણ વાતચીત કરી હતી. આ મુસાફરીમાં ધ હેરિટેજ આર્ટના ફાઉન્ડર રીચા દલવાણી પણ જોડાયાં હતાં. મુસાફરી દરમિયાન વડાપ્રધાને તેમની સાથે વાત કરીને ટ્રેન અંગે પ્રતિભાવો મેળવીને બિઝનેસ અંગે પણ માહિતી મેળવી હતી.