For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

સે-૧૧ રામકથા મેદાનમાંથી નવ મોબાઇલ સાથે પાંચ ચોર ઝડપાયા

11:27 AM Jul 29, 2022 IST | eagle
સે ૧૧ રામકથા મેદાનમાંથી નવ મોબાઇલ સાથે પાંચ ચોર ઝડપાયા

ગાંધીનગરમાં મોબાઇલ ચોરીના કિસ્સાઓ વધ્યા છે ત્યારે ગાંધીનગર એલસીબી પોલીસે ચોરીના ૯ મોબાઇલ સાથે પાંચ ચોરોને પકડી પાડયા છે. આ ચોર આગામી દિવસોમાં ઘરફોડ પણ કરવાના હતા તે માટે તેમણે ચાર સેક્ટરોમાં રેકી પણ કરી હતી. આ પાંચેય ચોરને નવ મોબાઇલ ફોન અને કુલ ૧.૭૦ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો.

ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો રામકથા મેદાનમાં રીક્ષામાં બેસીને શંકાસ્પદ પ્રવૃત્તી કરી રહ્યા છે જેના પગલે એલસીબીની ટીમે ત્યાં તપાસ કરી હતી અને સેક્ટર-૧૧માં રીક્ષામાં બેઠેલા પાંચેક શખ્સો ચોરીના મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા હતા ત્યારે તેમને પકડી પાડયા હતા. જેમાં સેક્ટર-૧૩ના છાપરાંમાં રહેતો પ્રવિણ ઉર્ફે બબી ઉર્ફે દોરાડો મોહન ધોત્રે,કોબાનો રવિ દલસુખ દંતાણી, સેક્ટર-૨૩ કાચા છાપરાંમાં રહેતો રાહુલ ઉર્ફે મેહુલ ગુગા પટણી, સે-૧૬ ચોપાટી પાસે રહેતો તારાચંદ ઉર્ફે સુંઘણીયો ગોવિંદ બાવરી અને જોરાવરસિંહ જોહરસિંહ બાવરી પોલીસને હાથે લાગ્યા હતા. આ પાંચેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના સાતેક મોબાઇલ મળી આવ્યા હતા જેમની તેમણે ચોરી કરી હોવાનું પણ કબુલ્યું હતું. એટલુ જ નહીં, આ આરોપીઓએ ઇન્પોસિટી પાસેથી બ્રિજ નીચેથી લૂંટ કરી હોવાનું તથા સેક્ટર-૭ પાસેથી લૂંટ કરી હોવાનું પણ કબુલ્યું હતું. આરોપીઓ પાસેથી લોખંડની હથોડી, ગ્રીલ કાપવાની આરી, ડીસમીસ, સીએનજી રિક્ષા સહિત ૧.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Advertisement