KCR-ઓવૈસીના ગઢમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, PM મોદી અને CM યોગી પણ પહોંચશે
વર્ષ 2024માં થવા જઈ રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ ભાજપ હવે દક્ષિણ ભારતીય રાજ્યોમાં પોતાનો વિસ્તાર કરવાની કોશિશ કરી રહ્યું છે. કર્ણાટક બાદ હવે તેની નજર તેલંગણા પર છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક હૈદરાબાદમાં રાખી છે. આ બેઠકના બહાને તે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) ના ચંદ્રશેખર રાવ અને AIMIM ના અસદુદ્દીન ઓવૈસીને ઘેરવાની પણ કોશિશ કરશે. કાર્યકારિણી બેઠકનું સમાપન થયા બાદ 3 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 4 વાગે પ્રસિદ્ધ પરેડ ગ્રાઉન્ડમાં મોટી રેલી પણ કરશે. આ રેલીમાં પાર્ટી શાસિત રાજ્યોના તમામ સીએમ પણ હાજર રહેશે. રેલીને સફળ બનાવવા માટે 33000 બૂથ સંયોજકને તે માટે જવાબદારી સોંપાઈ છે. એટલું જ નહીં પીએમ રેલી ઉપરાંત તેલંગણા ફતેહ કરવા માટે ભાજપે હૈદરાબાદ પર અલગથી ફોકસ કરેલું છે. કાર્યકારિણીના સભ્યો અને અનેક કેન્દ્રીય મંત્રીઓને પાર્ટીએ અલગ અલગ સમાજ સાથે સીધા સંવાદ કરવાની જવાબદારી પણ સોંપી છે.