For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

USA ના સેક્રેટરી ઓફ ટ્રેઝરી અને વર્લ્ડ બેન્કના પ્રમુખ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે

11:00 PM Jul 15, 2023 IST | eagle
usa ના સેક્રેટરી ઓફ ટ્રેઝરી અને વર્લ્ડ બેન્કના પ્રમુખ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે

ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે યુ.એસ.એ.ના સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણા મંત્રી) જેનેટ યેલન તેમજ વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા તા. 16મી જુલાઈ, રવિવારના રોજ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને મુલાકાત લેવાના છે.

કામગીરીની વિગતો મેળવશે

આ મુલાકાત દરમિયાન મહાનુભાવો અને તેમની ટીમ રાજ્ય સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ: GOAL પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી વિશિષ્ટ કામગીરી તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી થઇ રહેલા ઓનલાઈન રીયલ ટાઇમ મોનીટરીંગની વિગતો મેળવશે અને તેનું નિદર્શન પણ કરશે. ગુજરાતમાં હંમેશા શિક્ષણ ક્ષેત્રે નવા શૈક્ષણિક સુધારાઓ અમલમાં મૂકી રાજ્યના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે રાજ્ય સરકાર હરહંમેશથી કટિબદ્ધ છે. સ્કૂલિંગ સુનિશ્ચિત કર્યા બાદ દરેક બાળકનું લર્નિંગ પણ સુનિશ્ચિત કરવાના ધ્યેય સાથે શ્રેણીબધ્ધ શૈક્ષણિક ગુણવત્તા સુધારણાના પગલાંઓ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

શું છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ?

ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં 6 વર્ષમાં આશરે રૂ.12,500 કરોડ એટલે કે 1.5 બિલિયન ડોલરના ખર્ચે “મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ” હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ 6 વર્ષમાં તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ મળી કુલ આશરે 40,000 મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ લાભાન્વિત કરવામાં આવશે. આ શાળાઓ પૈકી 20,000 શાળાઓને ઉત્કૃષ્ટ બનાવવા વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડી સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કરવામાં આવશે.

આ શાળાઓમાં કુલ 50,000 નવા વર્ગખંડોનું નિર્માણ 1,50,000 વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા, 20,000 નવી કમ્પ્યુટર લેબ, 5,000 સ્ટેમ લેબ / ટીકરીંગ લેબ વિગેરેનું અમલીકરણ કાર્ય પ્રગતિમાં છે, જેના થકી 6 વર્ષમાં રાજ્યના 85%થી વધુ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.

Advertisement