કંબોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો કુદ્યા, 10ના થયા મોત
કંબોડિયાની એક હોટલમાં ભીષણ આગ લાગવાના કારણે લગભગ 10 લોકોના મોત થઈ ગયા છે અને 30થી વધારે લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોઈપેટના ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લગભગ 50 લોકો ફસાયા હોવાના સમાચાર છે. ઘટનાસ્થળથી આવેલા ચોંકાવનારા ફુટેજમાં લોકો પાંચમા માળેથી કુદતા જોઈ શકાય છે. આ દુર્ઘટના દરમિયાન ઈમારતને આંશિક રીતે પડતી હોવાની સૂચના મળી છે. જ્યારે ફાયરના જવાનોએ આગ પર લગભગ 70 ટકા કાબૂ મેળવી લીધો હતો.બેકાબૂ આગને કંટ્રોલ કરવા માટે કંબોડિયાએ આગ પર કાબૂ મેળવવા માટે થાઈલેન્ડથી ઈમરજન્સી કર્મચારીઓને બોલાવ્યા હતા. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, કંબોડિયાના પોઈપેટમાં ગ્રાન્ડ ડાયમંડ સિટી કેસીનો અને હોટલમાં મોટા પાયા પર આગ લાગવાથી થાઈ નાગરિકોના મોત થયા છે. આગની જ્વાળા, ધુમાડાથી બિલ્ડીંગમાંથી કુદવાના કારણે 30થી વધારે લોકો ઘાયલ થયા છે. કથિત રીતે કેસીનોમાં એક ગેસ ટેન્કમાં વિસ્ફોટ થતાં આ આગ લાગી હોવાનું કહેવાય છે.